વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ઇશ્વરના ઇ મેઇલ.. – ૨૦

    કાગળિયા લખી લખી થાકયા

    નીલમ  હરીશ દોશી

    કે કાગળ હરિ લખે તો બને,
    અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને..

    રમેશ પારેખ

    પ્રિય દોસ્ત,

    હમણાં મને યે  રોજ રોજ તને કાગળિયા લખવાની એટલે કે ઇ મેઇલ કરવાની આદત પડી પડી ગઇ છે. હવે તો કાગળ લખવો એટલે ઇ મેઇલ કરવો એવો જ અર્થ કરાય છે ને ? દોસ્ત, મને પણ ધીમે ધીમે તારી ભાષા આવડી ગઇ છે ને ?

    દોસ્ત, હમણાં તારે રોજ કોઇ ને કોઇ પ્રશ્નો ઉભા થતા જ રહે છે. એવું તને લાગે છે, એક પ્રશ્ન પૂરો થાય અને જયાં માડ હાશ કરાય ત્યાં તો બીજી કોઇ સમસ્યા ગમે ત્યાંથી સામે આવી જાય છે.એવું તને લાગે છે.અને તું કદીક નિરાશ બની જાય છે.

    પણ દોસ્ત, એમ થાકીને, હારીને નિરાશ બનીને બેસી રહેવું તાને શોભે નહીં. જીવન છે. મુશ્કેલીઓની આવનજાવન તો ચાલતી જ રહેવાની ને ?

    જીવનનાવ હાલકડોલક થતી હોય ત્યારે હલેસા મારવાનું છોડી ન દેવાનું હોય. બલ્કે ત્યારે તો બમણા જોશથી હલેસા મારવાના હોય. અને હલેસા મારવાનું ચાલુ રહેશે તો કિનારો ગમે તેટલો દૂર હોય પણ એ આવવાનો જ. મંઝિલે પહોંચાશે જ.પણ નિરાશ બનીને હલેસા છોડી દેશો તો કિનારાની આશા જ નહીં રહે અને મધદરિયામાં ફસાઇ જશો. દોસ્ત, જીવન એક યાત્રા છે. યાત્રામાં આગળ વધતા રહેવાનું હોય, થાક લાગે ત્યારે ઘડી બે ઘડી વિસામો ખાઇ આગળ ચાલતા રહેવું એ જ તારું એક માત્ર કર્તવ્ય. માર્ગના વિઘ્નોની પરવા કર્યા સિવાય, તેમનો સામનો કરી, એ વિઘ્નો પાર કરતા જઇને આગળ વધીશ તો કોઇ મુકામે તને આવકારવા હું તત્પર  રહીશ જ.

    તું તને ગમે તે માગવાને બદલે મારા પર એટલો વિશ્વાસ રાખીને એમ ન કહી શકે કે

    હે ભગવાન, મારા માટે શું શ્રેષ્ઠ છે તે તમે જાણો છો, તમને ગમે એમ જ થાઓ, તમે જયારે, જેટલું આપશો એ મને મંજૂર છે. નરસિંહ, મીરા જેવા અનેકે એ રાહ તને બતાવ્યો જ છે ને ? દોસ્ત, મને તું અંતર્યામી કહે છે પણ દિલથી જો એ માનતો હોય તો પછી તારે કશું કહેવાની જરૂર જ કયાં રહી ? મને જાણ છે જ કે તને કયારે શું આપવાનું છે ? દુખ કે સુખ જે આપું એનો તું સ્વીકાર ન કરી શકે ? દુખ કે પીડા આપવા પાછળ પણ કોઇ કારણ હશે જ..એમ માનીને એવા સમયે પણ થોડું ધૈર્ય જાળવી ન શકે ? તને વધારે દુખ આપ્યું છે એવું લાગે ત્યારે એમ ન સ્વીકારી શકે કે મને તારું ગજું અન્ય કરતા મોટું લાગ્યું છે.અન્ય કરતા તું વધારે ખમતીધર લાગ્યો છે. અને તો એ તારા માટે ગૌરવની વાત ન કહેવાય ?

    લિ. ઇશ્વરની સ્નેહયાદ


    પ્રાર્થના એટલે હળવાશ સાથે મોરપીંછ જેવી સુંવાળપ ધરાવે તેવી દિલની આરત.

    જીવનનો હકાર

    પોતાની પાસે કશાકનો ઉત્તર છે તેથી પંખી નથી ગાતું, તે તો તેની અંદર ગીત છે માટે ગાય છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૧૩ (૧)

    કુદરતની કેડીએ વિશાળ પક્ષનું નિર્માણ કરનારા : ચાર્લ્સ ડાર્વિન (૧)

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    ૧૮૦૧ થી ૧૮૯૯ સુધીમાં માત્ર વિકિપીડિયાને વાંચીએ તો ૪૫ પ્રખર વિજ્ઞાનીઓ મળે છે અને પ્રત્યેક શાખામાં સંખ્યાબંધ શોધો અને પ્રયોગો મળે છે, જેમના પ્રવાસો, શોધો, ચિંતનોના કારણે પૃથ્વી પર માત્ર માનવ જીવન જ નહિ જૈવિક, પ્રાકૃતિક, ભૌગોલોક, સામાજિક, તબીબી, રાજકીય તમામ ક્ષેત્રને પ્રભાવિત કરતા બદલાવોને ગતિ મળી છે અને આ એ સમયગાળો પણ છે જયારે વિશ્વમાં ધર્મ પ્રતિપાદિત રૂઢિઓ અને કુરિવાજોના અંધકારની સામે માનવીને ઉન્નત જીવન માટે વૈચારિક પ્રગતિ માટે પ્રકાશ પથરાવો પણ શરૂ થયો.

    આપણે જોયું કે યુરોપ માલિકીભાવથી કેન્દ્રિત ભૌતિકવાદ સંતોષવા વૈશ્ર્વિક સંસાધનોનું શોષણ કરતુ હતું ત્યારે વૈચારિક, સામાજિક, શૈક્ષણિક ક્રાંતિ વચ્ચે પશ્ર્ચિમી ગોળાર્ધમાં વયક્તિક સ્તરે એ ભૌતિકવાદ માટે જાણે એક નવું વિશ્ર્વ જન્મી રહ્યું હતું અને એ સમયે પણ જાગૃત ચેતનાઓ, ચેતવણીના સુર ઉચ્ચારી રહ્યા હતા. મૂર્તિ કે મંદિરો, ચર્ચ કે મસ્જિદોમાં રહેલા ઈશ્ર્વરથી વધુ પ્રબળ કુદરતની સુચારુ વ્યવસ્થા છે, જે જીવન પોષી રહી છે એ હકીકતની વૈચારિક સ્તરે અને વૈજ્ઞાનિક સ્તરે સાબિતીઓ આ સમયમાં જ સ્થાપિત થઈ રહી હતી.

    પૃથ્વી પર જીવનના અસ્તિત્વ, વિકાસ અને નૈસર્ગિક વ્યવસ્થા વિશેના પદ્ધતિસરના તર્કબદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓનો સૌથી મહત્ત્વનો ઘટસ્ફોટ કરનારા વિજ્ઞાની એટલે ચાર્લ્સ ડાર્વિન. કુદરતના વિશાળ પથવ્યવસ્થાપનની જે કંઈ કેડીઓ કંડારાઈ ચૂકી હતી તેમાં નિર્વિવાદિતા સ્થાપનાર પ્રવાસી એટલે ચાર્લ્સ ડાર્વિન.

    શૈશવ અને શિક્ષણ

    ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ફેબ્રુઆરી ૧૮૦૯ માં શ્રોપશાયરના શ્રુસબરીમાં થયેલો. ડાર્વિનના દાદા, ઈરાસ્મસ ડાર્વિન, ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં એક સ્વતંત્ર વિચારસરણીના ચિકિત્સક, કવિ અને ઝૂનોમિયા અથવા ‘કાર્બનિક જીવનના નિયમો’ના લેખક હતા; ડાર્વિન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. ત્રણ મોટી બહેનોની સંભાળ હેઠળ ડાર્વિન એમના દમદાર તબીબ પિતાની ધાકમાં ઊછરી રહ્યા હતા. પરંતુ એ તબીબીવિજ્ઞાન માત્ર શારીરિક વાસ્તવિકતાઓ જ શીખવી રહી હતી. એ સમયે માનવના મનોવિજ્ઞાનની પણ જાણકારી મળતી હતી પરંતુ એ સિવાયની વિજ્ઞાનશાખાઓને માનવજીવન માટે ઊતરતી કક્ષાની મનાતી. ડાર્વિનને ચર્ચના તાબા હેઠળનું રૂઢિચુસ્ત શિક્ષણ અકળાવતું હતું. ડાર્વિનના રસાયણ વિજ્ઞાનમાં વધતા રસ વિશે હેડમાસ્તરનો ઠપકો મળતો રહેતો એટલું જ નહિ સહપાઠીઓ પણ તેને ‘ગેસ’ ના નામથી ચીડવતા.

    ડાર્વિનની એવી છાપ ઊભી થયેલી કે તેઓ એડિનબર્ગમાં બે વર્ષ દરમિયાન ખાસ કંઈ શીખ્યા નહોતા. હકીકતમાં,આ તેમના વ્યક્તિત્વ વિકાસનો મહત્ત્વનો ગાળો હતો. બ્રિટિશ યુનિવર્સિટી કરતાં વધુ સારું વિજ્ઞાનનું શિક્ષણ બીજે ક્યાંય ઉપલબ્ધ નહોતું. અહીં તેઓને છોડનું વર્ગીકરણ કેવી રીતે કરવું તે સમજવાનું શીખવવામાં આવ્યું હતું. એડિનબર્ગ મ્યુઝિયમમાં તેમને મુક્ત કરાયેલા એક દક્ષિણ અમેરિકન ગુલામ જ્હોન એડમોન્સ્ટોન દ્વારા પક્ષીઓને ‘સ્ટફ’ કરવાનું અને ખડકના સ્તર અને વસાહતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને ઓળખવાનું શીખવવામાં આવ્યું હતું. યુવા ડાર્વિન એડિનબર્ગના સમૃદ્ધ બૌદ્ધિક વાતાવરણમાં ઘણું શીખતા, પરંતુ ધ્યેય વિનાના પ્રકૃતિવાદી માટે ચર્ચ સાથે તાલમેલ ધરાવતું શિક્ષણ જ યોગ્ય રહેશે એમ વિચારી તેમના ચતુર વિચારશીલ પિતા, ડાર્વિનને ૧૮૨૮ માં કેમ્બ્રિજ મોકલે છે. ડાર્વિનનું અહીં એક પરંપરાગત વ્યક્તિત્વ વિકસે છે. અહીં તેને એક યુવાન પ્રોફેસર દ્વારા વનસ્પતિશાસ્ત્રની રૂઢિચુસ્ત બાજુ બતાવવામાં આવી. એ પણ શીખવવામાં આવ્યું કે જગતના તમામ સર્જનની સત્તા એક ઈશ્ર્વર પાસે છે જે તેની રચના ધરાવે છે. આ માન્યતા સાથે રેવરેન્ડ આદમ સેડગવિક, ડાર્વિનને ૧૮૩૧માં ભૌગોલિક ક્ષેત્રની સફર પર વેલ્સ લઈ ગયા.

    ડાર્વિન માટે જાણે કુદરત રાહ જોઈ રહી હતી, એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ- ના પ્રવાસવર્ણનોથી ઉત્તેજિત ડાર્વિનને એક તક મળે છે અને તેઓ દરિયાઈ પ્રવાસમાં ઝંપલાવે છે.

    પ્રકૃતિની પરિયોજના – ‘એચએમએસ બીગલ’માં ડાર્વિનની સાહસિક સફર

    એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટના દસ્તાવેજ, દક્ષિણ અમેરિકાના જંગલોની વાસ્તવિકતાથી પ્રભાવિત, ૨૧ વર્ષના ઉત્તેજિત ચાર્લ્સ ડાર્વિન હેન્સલોવેના એક વાર સફર ખેડી ચૂકેલા જહાજ, એચએમએસ બીગલની બીજી સફરની ટુકડી સાથે જોડાઈ, દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે, ટિએરા ડેલ ફ્યુગોની સફરના સૂચનને તરત સ્વીકારી લીધું. ડાર્વિનને શિખાઉ પ્રકૃતિવાદી તરીકે નહીં પરંતુ ૨૬ વર્ષીય કેપ્ટન, રોબર્ટ ફિટ્ઝરોયની એકલતા દૂર કરવા એક સજ્જન સાથી તરીકે સફર કરવાની પરવાનગી મળેલી. ફિટ્ઝરોયે એક શાહી-ઇવેન્જેલિકલ સફરનું આયોજન કરેલું, જેમાં બ્રિટિશ વેપારને સરળ બનાવવા માટે દરિયાકાંઠાના પેટાગોનિયાનું સર્વેક્ષણ કરવાની યોજના હતી. ડાર્વિને પોતાની જાતને શસ્ત્રો, પુસ્તકોથી સજ્જ કરી. કેપ્ટન ફિટ્ઝરોયે તેને ચાર્લ્સ લાયેલ દ્વારા લિખિત પ્રિન્સિપલ ઓફ જીઓલોજીનો પહેલો ગ્રંથ આપ્યો અને લંડન ઝૂના નિષ્ણાતો પાસેથી શબને સાચવવા માટેની તાલીમ આપી. બીગલ પ્રવાસી ટુકડી ઈંગ્લેન્ડથી ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ના રોજ જહાજમાં નીકળી.

    એચએમએસ બીગલ એ પ્રવાસી ટુકડીઓના જથ્થાની અને જહાજની ઓળખ છે. ૧૦ થી ૧૮ ગન ધરાવતા રોયલ નેવીના યુદ્ધ જહાજોની શ્રેણીમાં બે જહાજોની આ ટુકડી હતી, જે સર્વેક્ષણ માટે મોકલાતી અને તેમાં સર્વે કરનારા નિષ્ણાતો, કર્મીઓ, ગુલામો અને ખલાસીઓની બનેલી ટુકડીઓ પ્રવાસે નીકળતી. એચએમએસ બીગલ એક વાર ૧૮૨૬ થી ૧૮૩૦ સફર ખેડી ચૂક્યું હતું. ત્યારબાદ સમારકામ અને નવી ટુકડી અને નવા કપ્તાન સાથે બીજી વાર ૧૮૩૧માં નીકળે છે અને ત્રીજી સફર ૧૮૩૭ માં આદરે છે. બીગલની બીજી સફર દુનિયાને નવી દૃષ્ટિ અને અને પોતાને માનવઇતિહાસ અને વિજ્ઞાનના ઇતિહાસમાં અમરત્વ અપાવે છે.

    પ્રારંભમાં ૧૮ મહિના કે મહત્તમ બે વર્ષ માટે માટે આયોજિત દરિયાઈ સફરના સ્થાને ડાર્વિને ડિસેમ્બર ૧૮૩૧થી ઓક્ટોબર ૧૮૩૬ સુધી- કુલ પાંચ વર્ષ સફર ખેડી. ખાસ કરીને, તેમણે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે આવેલા ગાલાપાગોસ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા સહિત પેસિફિકના વિવિધ ટાપુઓની મુલાકાત લીધી હતી. એચએમએસ બીગલ પર સવાર, ચાર્લ્સ ડાર્વિને સહીત ૧૪ જુદા જુદા દેશોની મુલાકાત લીધી.

    આ પ્રવાસોએ ડાર્વિનને આ પ્રદેશોની અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ કરવાની અને કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિના તેમના સિદ્ધાંતને વિકસાવવાની તક આપી. જોકે ડાર્વિને એશિયાના ભારત દેશ સહિત દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના ત્રણ વિશાળ ભૂમિગત પ્રાંતો પ્રદેશો ની મુલાકાત લીધી નહોતી. તેઓને ગાલાપાગોસ ટાપુઓની મુલાકાત માં મળેલા અકલ્પ્ય જૈવવૈવિધ્યનાં અવલોકનોએ જ ઉત્ક્રાંતિ વિશેના ચિંતન માટે ખૂબ પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય ખંડોની મુલાકાત દરમ્યાન શોધખોળ કરી ન હતી.

    વિશ્ર્વની પરિક્રમા દરમ્યાન ૨૨ વર્ષના ડાર્વિનનું ઘડતર થયું હશે. બ્રાઝિલનાં જંગલો અને એન્ડીઝ પર્વતમાળામાં વિશાળ ખુલ્લી તકોથી ભરપૂર, વહાણની દીવાલો વચ્ચે પાંચ વર્ષની શારીરિક કષ્ટ અને માનસિક કઠોરતા, ડાર્વિનને નવી ગંભીરતા આપવાનાં હતાં. જુવાન ડાર્વિન જિંદગી અને પશ્ર્ચિમી વૈજ્ઞાનિક વિચારસરણીને ધરમૂળથી બદલવાની હતી. પોતે જે દુનિયા જોઈ સમજી હતી તેનાથી તદ્દન નવી અજાણ દુનિયા, તેનાં અનમોલ સ્વરૂપો ખજાનાઓ અને વ્યવસ્થાઓને ડાર્વિનને સાક્ષાત્કાર થવાનો હતો. ડાર્વિન વિશે વાંચતાં લખતાં સમજતાં મને પણ એવો જ અનુભવ થયો કારણ કે તેઓનાં સંગ્રહો, અવલોકનો, પત્રો, પ્રકાશનો, નોંધો અને થિયોરી ને સંકલિત કરવામાટે પણ એક પુસ્તક લખવું પડે તેવો પડકાર સામે ખડો થયો છે. ડાર્વિનના કાર્ય અને તેના યોગદાનને સર્વપ્રથમ તો સમજવું જ ખાસ્સો અભ્યાસ માંગી લે તેમ છે. ઇન્ટરનેટ ઉપરની લાયબ્રેરી કે કોઈ પુસ્તકાલય એક સંકલિત પરિચય પૂરા પાડી શકતા નથી, માત્ર ઝલક જ મળે છે કારણ કે એ કદાચ સંભવ જ નથી. આથી જ મેં પણ તેઓ દ્વારા જગતને આપવામાં આવેલા મૂળભૂત સિદ્ધાંતો અને વ્યાખ્યાઓના આધારે જ તેમના કાર્યને આગામી ભાગમાં રજૂ કરવા પ્રયાસ કર્યો છે.


    યાત્રી બક્ષી : ઈમેલ: paryavaran.santrigmail.com


    સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલ્બધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો

     

     

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : ઓલીઓગ્રાફ પર આધારીત ચિત્રો

    બીરેન કોઠારી

    એક સમય હતો કે ઓલીઓગ્રાફ તરીકે ઓળખાતાં ‘પોસ્ટર’ લોકોનાં ઘરમાં ફ્રેમ કરાયેલાં જોવા મળતાં. આ ઓલીઓગ્રાફમાં મોટે ભાગે દેશનેતાઓ, સ્વાતંત્ર્યવીરો યા દેવીદેવતાનાં ચિત્રો રહેતાં. મારા મોસાળના ઘરમાં, ઉપરના માળે જવાહરલાલ નહેરુનો ફોટો ફ્રેમમાં લગાવેલો હતો, અને એ એક રિવાજ તરીકે. મને યાદ નથી કે મારા નાના કે મામાઓને નહેરુ કે કોંગ્રેસ સાથે કશી લેવાદેવા હોય. ઓલીઓગ્રાફની એક ચોક્કસ શૈલી રહેતી. તેમાં વચ્ચોવચ્ચ જે તે મહાન વ્યક્તિની જાણીતી મુદ્રાની તસવીર રહેતી. એ મુખ્ય મુદ્રાની આસપાસ તેમના જીવનના જાણીતા પ્રસંગોની ઝલક અપાયેલી રહેતી. અહીં મૂકાયેલો નહેરુનો ઓલીઓગ્રાફ જોવાથી આ બાબત સ્પષ્ટપણે સમજી શકાશે. બીજો ઓલીઓગ્રાફ ગાંધીજીનો છે, જેમાં તેમનું ‘સ્વર્ગારોહણ’ બતાવ્યું છે. આ રીતે ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર સહિત ઘણા નેતાઓના ઓલીઓગ્રાફ સાવ સસ્તામાં, સામાન્ય માણસને પરવડે એવી કિંમતે મળતા.

    (જવાહરલાલ નહેરુનો ઓલિઓગ્રાફ)
    (ગાંધીજીનો ઓલીઓગ્રાફ)

    ચિત્રકાર ભૂપેન ખખ્ખરે પોતાની શૈલીઓમાંની એક જે વિકસાવી તે આવા ઓલીઓગ્રાફ પરથી પ્રેરિત હતી. પણ તેમના વિષયનું કેન્દ્ર કોઈ મહાન વ્યક્તિ નહીં, બલ્કે સાવ સામાન્ય, કોઈ ચહેરા કે ઓળખ વિનાનો માણસ હતો.

    અહીં ભૂપેને ચીતરેલાં બે ચિત્રો મૂક્યાં છે. એમાંના એકનું શિર્ષક છે ‘Man with bouquet of plastic flowers’. સાવ સસ્તો, નાયલોન જેવા કાપડનો શર્ટ પહેરેલો એક માણસ હાથમાં પ્લાસ્ટિકનાં ફૂલોનો બુકે લઈને ઊભેલો છે. ફૂલ ખીલેલાં છે, કેમ કે, પ્લાસ્ટિકનાં હોવાને કારણે એ કરમાવાનાં નથી. શર્ટ અને બુકે આ માણસનું જીવનસ્તર બતાવે છે. એને મન કળાની વિભાવના એટલી જ કે ફૂલો એવાં હોવાં જોઈએ કે જે સદાય તાજાં રહે, અને રોજ તાજાં ફૂલ ખરીદવાનું એને પોસાય એમ નથી. આથી તે દૃઢપણે માને છે કે પ્લાસ્ટિકનાં ફૂલો જ વપરાય. આવું ચિત્રમાં ક્યાં બતાવ્યું છે? ખરું. એવું નથી બતાવ્યું, પણ આ માણસની ફરતે તેના રોજિંદા જીવનની ઘટમાળ ચીતરવામાં આવી છે, જેમ નહેરુના ઓલીઓગ્રાફમાં તેમના જીવનની મહત્ત્વની ઘટનાઓ દર્શાવાઈ છે એમ જ. આ ઘટમાળ જોઈને આપણને એ આપણા જેવો જ, બલ્કે આપણાથી પણ ઊતરતા જીવનધોરણવાળો માણસ લાગી શકે. ખુરશીમાં બેઠે બેઠે ઝોકું મારવું પણ તેના જીવનક્રમનો હિસ્સો છે. તેના ચહેરાનો લગભગ ત્રીજો ભાગ છાયામાં છે, જે કદાચ બતાવે છે કે એની કોઈ ખાસ ઓળખ નથી. આ ચિત્ર ભૂપેને 1976માં ઑઈલ રંગોમાં ચીતરેલું.

    (Man with bouquet of plastic flowers)

    આ શૈલીના બીજા ચિત્રનું શિર્ષક છે ‘Man in pub’. 1979માં પોતાના ઈન્ગ્લેન્ડનિવાસ દરમિયાન તેમણે આ ચિત્ર બનાવેલું. ઈન્ગ્લેન્ડની કાતિલ ઠંડી ત્યાંના જીવનને થીજાવી દે છે. એક સામાન્ય માણસ આખો દિવસ કામ કરે, અને સાંજે પબમાં જઈને એકલો એકલો પીણું પીએ. બસ, આ જ તેના જીવનનો રસ. તેના જીવનની આ ઘટમાળ ચિત્રમાં બતાવેલી છે. આ ચિત્રમાં પબમાં બેઠેલા માણસની એકલતા અને જીવનની નીરસતા ઘેરી બતાવવાનો પ્રયત્ન છે. માણસના હાથમાં પકડેલાં હાથમોજાં કદાચ તેની ઠરી ગયેલી કામેચ્છા દર્શાવે છે.

    (Man in pub)

    આ ચિત્રોને વિગતવાર જોવા માટે તેને મેગ્નીફાય કરવા. કદાચ અહીં મૂકેલી ઈમેજ બરાબર ન હોય તો આ શિર્ષક અને ‘ભૂપેન ખખ્ખર’ લખીને ગૂગલમાંથી વધુ સારી ઈમેજ મેળવીને જોવી.


    (ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અતિ ગરીબી મુક્ત કેરળ અને ભારતની બહુ આયામી ગરીબી

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારતીય રાજ્યોમાં ઘણી બાબતોમાં મોખરે રહેતા કેરળની પાઘડીમાં એક ઓર પીંછું ઉમેરાયું છે. પહેલી નવેમ્બર ૧૯૫૬ના રોજ રચાયેલા કેરળે તેના ૬૯મા સ્થાપના દિવસે(પહેલી નવેમ્બર ૨૦૨૫)  અતિ ગરીબીમાંથી મુક્તિ મેળવી છે. કેરળ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જેણે અત્યધિક ગરીબીમાં સબડતા લોકોને તેમાંથી છૂટકારો અપાવ્યો છે. દક્ષિણી રાજ્ય કેરળ અગાઉ દેશનું પહેલું સાક્ષર રાજ્ય બન્યું હતું. તેની આરોગ્ય સેવાઓ વિકસિત દેશોની હરોળની હોવાનો પરચો કોવિડ ૨૦૧૯ દરમિયાન દેશને મળ્યો હતો. સામાજિક અને માનવીય વિકાસમાં આ સામ્યવાદી શાસન તળેનું રાજ્ય ઉજળો હિસાબ આપી ચૂક્યું છે. આઝાદી પછી દેશમાં પહેલી સામ્યવાદી સરકાર કેરળમાં રચાઈ હતી. ગરીબો અને શ્રમિકો સામ્યવાદી પક્ષના પહેલી હરોળના સમર્થકો છે અને તેમનું કલ્યાણ સામ્યવાદી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે એટલે તેનું અતિ ગરીબી મુક્ત બનવું સહજ લાગવું જોઈએ.

    સતત અને સઘન પ્રયત્નોથી જ લોકકલ્યાણકારી રાજ્યનો સમૃધ્ધ ઈતિહાસ ધરાવતા કેરળે આ સિધ્ધિ હાંસલ કરી છે. ગરીબોની ઓળખ માટેનાં અન્ય રાજ્યોના અભિગમ કરતાં કેરળે જુદો માર્ગ લીધો. તેણે ગરીબીની રેખા તળે જીવતા કેરળવાસીઓની ભાળ મેળવવા માટે રાજ્યના હજારો કુશળ કર્મચારીઓને લગાવ્યા. તેને કારણે ૬૪,૦૦૬ અત્યધિક ગરીબ પરિવારોની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી. ૨૦૨૧થી રાજ્ય સરકારે અતિ ગરીબી નાબૂદી પ્રોજેકટ (  EXTREME POVERTY ERADICATION PROJECT- EPEP) શરૂ કર્યો હતો. જેને પેટ પૂરતું ખાવા મળતું નથી, રહેવા ઘર નથી, માંદા પડે તો દવાખાને જવાના પૈસા નથી, બાળકોને ભણાવી શકાતાં નથી, કોઈ રોજી નથી અને અત્યંત નિમ્ન જીવનધોરણ જીવે છે તેવા ચોસઠ હજાર કુટુંબોને તેમની જરૂરિયાતો પૂરી પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચય બની. કારગર યોજના  અને તેના બહેતર અમલીકરણ થકી અતિ ગરીબોને તેમાંથી મુક્ત કરી શકાયા છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    પાંચમી પંચવર્ષીય યોજના(૧૯૭૪-૭૯) અને ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન ગરીબી નાબૂદીને પ્રાધાન્ય મળ્યું હતું. ઈન્દિરાજીએ ગરીબી હઠાવોના નારાને ચૂંટણી સૂત્ર બનાવ્યું. લગભગ ત્યારથી ગરીબી દેશના શાસકોના રાજકીય એજન્ડાનો ભાગ બની છે. જો વ્યક્તિની આવક કે ખર્ચ નિર્ધારિત ન્યૂનતમ સ્તરથી નીચે હોય તો તે વ્યક્તિ ગરીબ ગણાય છે. વ્યક્તિના જીવન ધોરણ અને કલ્યાણને  સીધી રીતે અસર કરનાર તથા એકબીજા સાથે સંબંધિત આહાર, આરોગ્ય, આવાસ અને  શિક્ષણનો અભાવ બહુ આયામી ગરીબી છે. વિશ્વ બેન્કના વૈશ્વિક માનકો પ્રમાણે રોજના રૂ.૬૨ કરતાં ઓછામાં જીવન ગુજારો કરતી વ્યક્તિ ભારતમાં ગરીબીની રેખા હેઠળ જીવતી કહેવાય છે.

    ગરીબીનું માપન વ્યક્તિની આવક અને ખર્ચની ક્ષમતાના માપદંડે કરવામાં આવે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ( GHI) ચાર માપદંડો- અલ્પ પોષણ, બાળ મૃત્યુ દર, ઓછું વજન અને ઓછી ઉંચાઈ- ના આધારે નક્કી થાય છે. તેમાં દરેક દેશનો જીએચઆઈ સ્કોર એકત્ર કરીને પછી તેના પરથી રેન્કિંગ કરવામાં આવે છે. માનવ વિકાસ આંક કે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI)  લાંબુ અને આરોગ્યપ્રદ જીવન, જ્ઞાન સુધીની પહોંચ અને સારું જીવન ધોરણ –એ માનવ વિકાસના ત્રણ મુખ્ય આયામોમાં ઉપલબ્ધિઓના સારાંશ પરથી આપવામાં આવે છે. મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ(MPI) કે બહુ આયામી ગરીબી આંકમાં  આરોગ્ય, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલા દસ માપદંડોમાંથી ૧/૩ ના અભાવથી વ્યક્તિને ગરીબ ઠેરવવામાં આવે છે. ભારતમાં નીતિ આયોગે આ સંકેતકો પર આધારિત ગરીબી સૂચકાંક જારી કર્યો છે.

    નીતિ આયોગના નેશનલ મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ(૨૦૨૩) પ્રમાણે દેશમાં બહુ આયામી ગરીબી સરેરાશ ૧૪.૯૬ ટકા છે. જ્યારે કેરળમાં તે માત્ર ૦.૫૫ ટકા જ છે. જે હવે ભૂતકાળ બની છે. ગુજરાતનો ગરીબી ઈન્ડેક્સ ૯.૦૩ છે. ગુજરાતના ગામડાઓમાં ૧૭.૧૫ અને શહેરોમાં ૩.૮૧ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે. ગુજરાત કરતાં ગરીબીમાં પાછળ હોય તેવા રાજ્યો રાજસ્થાન, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર જ છે.

    ભારતમાં ગરીબી ઘટી રહી હોવાનો સરકારનો દાવો  છે. ગરીબી માપવાની વિવિધ પધ્ધતિઓનું સાચું પરિણામ મેળવવા હાલના નીતિ આયોગની પૂર્વેના યોજના આયોગે ૨૦૦૯માં તેંડુલકર  સમિતિ અને ૨૦૧૨માં રંગરાજન સમિતિની રચના કરી હતી. તેંડુલકર સમિતિએ ઉપભોગ-વ્યયના આધારે ૨૦૦૪-૦૫ અને ૨૦૧૧-૧૨ દરમિયાન ૧૩.૭ કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતુ. રંગરાજન સમિતિએ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૧-૧૨ વચ્ચે ૯.૨ કરોડ લોકો નિર્ધનતાથી મુક્ત થયાનું જણાવ્યું હતું. નીતિ આયોગે  સંયુક્ત રાષ્ટ્ર  વિકાસ કાર્યક્રમ(યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ‌- UNDP) ના હવાલેથી કહ્યું છે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯-૨૧ના  ગાળામાં ભારતે ૧૩.૫ કરોડ લોકોને બહુ આયામી ગરીબીની બહાર કાઢ્યા છે. ભારતમાં ગરીબી ૨૪.૮૫ ટકાથી ઘટીને ૧૪.૯૬ ટકા જ થઈ ગઈ છે. વિશ્વ બેન્ક્નું અનુમાન છે કે  ભારતે પાછલા દાયકામાં ૧૭.૧ કરોડ લોકોને ગરીબીથી આઝાદ કર્યા છે. વૈશ્વિક અનુમાન તો હવે ભારતમાંથી ૩૭.૮ કરોડ લોકો ગરીબી મુક્ત થતાં દેશમાં ૨.૩ ટકા જ ગરીબો હોવાનું છે.

    આપણે ગરીબી મુક્ત થઈ રહ્યા છીએ તેનું કારણ ભારત સરકારના ગરીબ કલ્યાણ કાર્યક્રમોની અસર છે તેમ કહેવાય છે. પોષણ, આવાસ, રાંધવાના સંસાધનો, સ્વચ્છતા જેવા કલ્યાણ કાર્યક્રમોની સીધી અસર ગરીબોને તેમની નિર્ધનતામાંથી મુક્ત કરીને નિમ્ન મધ્યમ વર્ગમાં લઈ ગઈ છે. આ હકીકત સ્વીકારીએ તો કેરળ અને દેશ માટે મોટો પડકાર હવે તેઓ ફરી ગરીબીની ગર્તામાં ધકેલાય નહીં તે જોવાનો છે.

    ભારતે વિકસિત દેશ હોવાનું લક્ષ્ય હાંસલ કરવા ગરીબી મુક્ત થવું અનિવાર્ય છે. પરંતુ છેક ઈન્દિરા ગાંધીના વારાથી દેશ ગરીબીમાં ઘટાડાની યોજનાઓ ઘડે છે નહીં કે તેની પૂર્ણ નાબૂદીની. ગરીબીનું ઉન્મૂલન જરૂરી છે નહીં કે તેનું શમન તે સરકારો અને નીતિ નિર્માતાઓને સમજાતું તો હશે પણ તે દિશાના પ્રયત્નો જણાતા નથી. ખેડૂતો, વિધવાઓ, મહિલાઓ, બેરોજગારો  કે બીજા વંચિતોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવવાથી તેમની ગરીબી કામચલાઉ તો ઘટે છે પરંતુ તે ગરીબી નાબૂદીનો સાચો ઉપાય નથી. ગરીબી નાબૂદી માટે તો ગરીબોને ગરિમા સાથે યોગ્ય જીવન ધોરણ અપનાવી શકે તેવા રોજગારની ઉપલબ્ધિ કરાવવાનો છે. દુનિયામાં આપણે પાંચમા કે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા   બનવાના હોઈએ તો અર્થવ્યવસ્થાના વિકાસ સાથે આવકના પુનર્વિતરણને પણ સમાન મહત્વ મળવું જોઈશે. ઉત્પાદકતા વૃધ્ધિની સાથે કલ્યાણ કાર્યક્રમોમાં સુધારા કરવા પડે. એક વારનો ગરીબ પુન: ગરીબ ન બને તેવા સામાજિક સલામતી તંત્રની વ્યવસ્થા કરવી પડે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગઝલઃ ક્યારે હતી | ગીતઃ જળને બેઠું ચોમાસું

    ગઝલ

    ચીનુ મોદી

    પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
    સ્વયં નાવ તોફાની ક્યારે હતી

    મને છોડી દેતા તને કષ્ટ શું
    જણસ સાવ સોનાની ક્યારે હતી

    નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
    જગા કોઇ મોભાની ક્યારે હતી

    તમાશા બતાવે બધી બારીઓ
    સડક એની પોતાની ક્યારે હતી

    હતા સાત પરદા થવા રૂબરૂ
    ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી


    ગીતઃ જળને બેઠું ચોમાસું
    રક્ષા શુક્લ         
    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
    ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !
     
    છલછલ થાતું પગલું ‘ને પગલામાં તળાવ આખું,
    કંકુવરણી પાની કહેતી ‘હું મહુડાને ચાખું.’
    સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,
    ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.
     વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ, 
    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
     
    ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,
    ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.
    નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,
    ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.
     દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.
    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૩ જું. – ઘરના ઘા.

    પ્રકરણ બીજુંઃ પ્રભાતનું શાંતિસ્થાન થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    ૧૧ મા અને બારમા સૈકાનીએાની અંદર તો કોરીયા ઉપર કંઈ કંઈ વીતકો વીતી ગયાં. એક વખત એ પ્રજાને શીરે પણ ધર્મની સત્તા જામેલી. બૌદ્ધ સાધુઓનું મંડળ પોતાના સ્વાર્થ ખાતર આખા દેશપર રાજ્ય ચલાવતું. સાધુઓએ પોતાના વિહારોને કિલ્લા બનાવી નાખ્યા. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ધર્મગ્રંથ લઈને સાધુઓ આખી શહેનશાહત ચલાવવા લાગ્યા. પ્રજા પરનો જુલ્મ બેહદ હતો.

    ત્યાર પછી ૧૨–૧૩ ની અંદર જગત–વિજેતા જંગીસખાને કોરીઆનો કચ્ચર ઘાણ વાળ્યો. જંગીસખાનના વંશજ કુબ્લાખાને તો કોરીયાને ખંડીયું રાજ્ય બનાવી દીધું. જાપાનની સાથે કોરીઆને વેર કરાવનાર આ જાલીમ કુબ્લાખાન. કુબ્લાખાને કોરીયાની બલાત્કારે સહાય મેળવીને જાપાન પર સ્વારી કરેલી. જાપાન એ દિવસોને ભૂલ્યું નથી.

    જાપાનના હલ્લાઓ તો ઘણી યે વાર આવી ગયા. પણ જ્યાં સુધી આ ન્હાના દ્વીપકલ્પનો સામાજીક આત્મા શુદ્ધ હતો ત્યાં સુધી એ બહારના હલ્લાઓ અંગ ઉપરથી પાણીનું બિન્દુ પડીને દડી જાય તેમ આવીને ચાલ્યા ગયા. પણ છેલ્લા ૩૦૦ વરસ થયાં એ પ્રજાનો પ્રાણ ડોળાયો હતો.

    દેશમાં બેજ વર્ગ હતા. અમીર અને રૈયત. અમીરનાં ખેતરો રૈયત ખેડતી. રૂશ્વત અને વગસગને બળે દેશની તમામ સરકારી જગ્યાઓ અમીરજાદાઓને જ હસ્તગત રહેતી. સરકારી નોકરી ન મળી શકે તો આ અમીરજાદાઓ શાળાઓમાં શિક્ષક બનતા. તે સિવાય દેશના હુન્નર ઉદ્યોગ કે વ્યાપાર વાણિજ્યમાં પડવું એ તો એમના ગૌરવને હાનિ પહોંચાડવા જેવું હતું. આજ આપણે ત્યાં જમીનદારોના પુત્રોની જે હાલત થાય છે તેજ હાલત એ અમીર વર્ગની થઈ. ટોળાબંધ અમીરજાદાઓ આળસુ જીંદગી ગાળતા, અને પોતાના વિલાસોને પહોંચી વળવા માટે ખેડુઓને ચૂસતા. આખું વરસ ખેડ્યા પછી નીપજમાંથી, માંડ ગુજારો થાય તેટલોજ દાણો ખેડુને મળતો. બાકીનો ભાગ અમીરોના વૈભવોને પોષતો. અમીર ખેડુ પાસેથી ફાવે તેટલી વેઠ લઈ શકતો વસ્તીના ગાડાં ઘોડાં કે ગાય ભેંસ વગર પૈસે વાપરતો. મુસાફરીમાં મફત મહેમાનગીરી કઢાવતો.

    કાયદો કેવળ રાજદ્રોહ સિવાય બીજા એકેય ગુન્હા બદલ અમીરને સજા ન કરી શકે. એનું મકાન જપ્ત ન થાય, કે ન એને ખુદને બંદીખાને નખાય. જ્યારે જ્યારે એનો કોઈ અપરાધ કરે ત્યારે એને અદાલતમાં જવાની જરૂર નહોતી. પરબારો પોતેજ કાયદો હાથમાં લઈ, મનમાં આવે તે શિક્ષા ઠોકી બેસાડતો. કોઈ કાળે રાજદ્રોહના ગુન્હા બદલ એને દેહાંત દંડની સજા થાય તો તેને જાહેરમાં ફાંસી નહોતી દેવાતી. પોતે પોતાના ઘરમાં બેસી ઝેરનું પ્યાલું ભરી પી જતો. આ અમીર વર્ગે વસ્તીની પાયમાલી કરી નાખેલી.

    બીજો જુલ્મ રાજાઓનો. રાજા સદા દેવાંશી મનાતો. પ્રજાજન, રાજા ન જીવતો હોય તે દરમ્યાન એનું નામ ન ઉચ્ચારી શકે. પ્રજાજન એના દેહને અડકી પણ ન શકે. ભૂલથી રાજા કદાચ કોઇને સ્પર્શી જાય, તો એ સ્પર્શવાળી જગ્યા ઉપર સદા લાલ પટી લગાવી રાખવી પડે. રાજાજીનું મ્હોં દેશના કોઈ પણ સીક્કા ઉપર નહોતું છપાતું. કારણ કે એને પ્રજાજનોના અપવિત્ર હાથનો સ્પર્શ થાય એની છબી પણ એના મૃત્યુ પછીજ ચિતરાય. એની હજુરમાં કોઈ શોકના પાષાકમાં અગર ચશ્માં પહેરી આવી શકે નહિ. રાજાને લોઢાનો સ્પર્શ કદી ન કરાવી શકાય. આ વ્હેમને પરિણામે કેટલાયે રાજાઓની બિમારી વખતે દાક્તરી આજારો જ ઉપયોગમાં ન લઈ શકાયાં. અને રાજાઓએ જીવ ખોયો. રાજા મરે એટલે આખી પ્રજા ત્રણ વરસ સુધી શોક પાળે; તેમાં પહેલાં પાંચ માસ સુધી વિવાહ બંધ, જાહેર કે ખાનગી મ્હેફિલો બંધ, પશુઓની કતલ બંધ, અપરાધીઓનો પ્રાણદંડ ન થાય, અને અણરંગેલ શણનાંજ કપડાં સહુથી પહેરાય.

    રાજાની મરજી એજ કાયદો. પ્રજાનાં જાનમાલ રાજાના હાથમાં હતાં. રાજા શાણો હોય તો આ રાજસત્તા પ્રજાનું મંગલ કરી શકતી, અને રાજા નબળો હોય ત્યારે પ્રજાનું નિકંદન નીકળતું.

    આ રીતે પ્રજા આશાહીન, લાઈલાજ, ને હૃદયહીન બનતી ગઈ, અને ભૂખમરો તો પ્રજાને આંગણે પ્રત્યેક વરસે હાજર જ હતો.

    કોરીયાની અંદર રમણીઓની હાલત બહુ બુરી બની ગએલી.

    ઘરના ઘા ખાઈ ખાઈને છેક જેર થઈ ગયેલી પ્રજા બહારના હુમલાઓ સામે ક્યાં સુધી છાતી ધરી શકે ? કોરીયા ભાંગ્યું તે જાપાનની તલવારથી નહિ–ઘરનાં પીડનોથી.[]

    *જાપાનના પક્ષપાતી “Story of Korea” એ પુસ્તકને આધારે લખાયોલું આ પ્રકરણ છે.


    આવતા અંકેઃ પ્રકરણ ૪ થું – રણવાસમાં રક્તપાત..

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર: ગાયકો એકથી વધુ [૩]

    નિરંજન મહેતા

    આ શ્રેણીમાં આ લેખમાં શોમેન રાજકપૂર વિષે રજૂઆત કરૂં છું. ન કેવળ એક અદાકાર પણ નિર્માતા નિર્દેશક તરીકે પણ તેમણે આગવી પ્રતિભા દાખવી છે.

    કારકીર્દીની શરૂઆતથી જ મુકેશનો સ્વર તેમને બંધબેસતો હતો એટલે મોટાભાગના રાજકપૂરના ગીતો મુકેશે ગાયા છે પણ કોઈ કોઈ ફિલ્મમાં કોઈ ગીતમાં અન્યનો સ્વર પણ જોવા મળે છે

    ૧૯૪૮ની ફિલ્મ ‘આગ’માં એક સિવાય બધા ગીતો મુકેશે ગાયા છે. તેમાંથી એક નમૂનારૂપે રજુ કરૂં છું.

    ज़िंदा हूँ इस तरह कि ग़म-ए-ज़िन्दगी नहीं
    जलता हुआ दिया हूँ मगर रोशनी नहीं

    ગીતકાર બેહ્ઝાદ લખનવી સંગીતકાર રામ ગાંગુલી

    અન્ય ગીત છે

    कहीं का दीपक कही की बाती
    आज बने हैं जीवन साथी
    देख हंसा है चाँद मुसाफिर
    देख चाँद की और
    देख चाँद की और मुसाफिर

    આ ગીત શૈલેશના સ્વરમાં છે અને સાથ આપ્યો છે મીના કપૂરે. ગીતકાર બેહ્ઝાદ લખનવી સંગીતકાર રામ ગાંગુલી

    https://youtu.be/DTF_Yn9o3xE

    ૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’માં પણ બે ગાયકો છે. મુકેશ અને રફીસાહેબ. રફીસાહેબે ગાયેલું ગીત છે

    मैं ज़िंदगी में हरदम रोता ही रहा हूँ
    रोता ही रहा हूँ, तड़पता ही रहा हूँ

    અન્ય ગીતો મુકેશે ગાયા છે જેમાનું એક છે જેમાં લતાજીનો પણ સાથ છે.

    छोड़ गए बालम, मुझे हाय अकेला छोड़ गए
    तोड़ गए बालम, मेरा प्यार भरा दिल तोड़ गए

    બંને ગીતના ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    ૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’માં પણ એક સિવાય બાકીના ગીતો મુકેશે ગાયા છે

    दम भर जो उधर मुँह फेरे
    दम भर जो उधर मुँह फेरे,
    ओ चन्दामै उनसे प्यार कर लूंगी,
    बातें हज़ार कर लूँगी

    ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મુકેશને સાથ આપ્યો છે લતાજીએ.

    અન્ય ગીત છે જે લતાજી સાથે મન્નાડેએ ગાયું છે.

    तेरे बिना आग ये चांदनी
    तू आजा तू आजा
    तेरे बिना आग ये चांदनी
    तू आजा तू आजा
    तेरे बिना बेसुरी बासुरी

    ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

     ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં પણ મુકેશે જ ગીતો ગયા છે પણ એક ગીત ગાયું છે મન્નાડેએ.

    दिल का हाल सुने दिलवाला
    सीधी सी बात न मिर्च मसाला
    कहके रहेगा कहनेवाला
    दिल का हाल सुने दिलवाला

    અન્ય ગીતો જે મુકેશે ગયા છે તેમાનું એક અત્યંત પ્રચલિત ગીત

    मेरा जूता है जापानी, ये पतलून इंगलिस्तानी
    सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी

    બંને ગીતોના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને

    ૧૯૫૭ની ફિલ્મ ‘શારદા’ના ગીતોમાં પણ બે ગાયકોએ રાજકપૂરને કંઠ આપ્યો છે.

    પ્રથમ ગીત છે જે મુકેશના સ્વરમાં છે

    जप जप जप जप जप रे
    जप जप जप जप मेरे मनवा
    जप रे प्रीत की माला होय जप रे प्रीत की माला
    जप जप जप जप रे

    બીજું ગીત છે જે મન્નાડેના સ્વરમાં છે.

    दुनियाने मुझे छोड दिया, खुब किया खुब किया

    બંને ગીતના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ.

    ૧૯૫૮ની ફિલ્મ ‘પરવરીશ’માં પણ મન્નાડે અને મુકેશના સ્વરનો ઉપયોગ થયો છે.

    પહેલું ગીત જેના ગાયક છે મન્નાડે અને સાથે છે લતાજી

    मस्ती भरा है समा,
    हम तुम है दोनो यहाँ
    आँखों में आ जा,
    दिल में समा जा,
    झूमें ज़मीं आसमाँ

    https://youtu.be/fbXiAJT4Bzs

    બીજું દર્દભર્યું ગીત મુકેશના સ્વરમાં છે.

    आँसू भरी हैं ये जीवन की राहें
    कोई उनसे कह दे हमें भूल जाएं

    https://youtu.be/EUVsSz_D5xY?si=5e6AA_VIQfKTYNIQ

    બંને ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે દત્તારામ

    ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’માં પણ મુકેશ-મન્નાડેની જોડી નજર આવે છે.

    પહેલું ગીત કોરસ ગીત છે જે મન્નાડેના સ્વરમાં છે અને લતાજીનો સાથ મળ્યો છે.

    नाइनटीन फिफ्टी सिक्स
    नाइनटीन फिफ्टी सेवेन
    नाइनटीन फिफ्टी एइट

    दुनिया का ढांचा बदला
    किस्मत का साचा बदला

    બીજું ગીત મુકેશના સ્વરમાં એક ઝીંદાદીલ વ્યક્તિના રૂપમાં

    किसी की मुस्कुराहटों पे हो निसार
    किसीका दर्द मिल सके तो ले उधार
    किसीके वास्ते हो तेरे दिल में प्यार
    जीना इसी का नाम है

    બંને ગીતોના રચયિતા શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.

    ૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’માં બધા ગીતો સિવાય એક મુકેશના સ્વરમાં છે તેમાનું એક

    मेरे टूटे हुए दिल से कोई तो आज ये पूछे
    के तेरा हाल क्या है के तेरा हाल क्या है

    તો અન્ય ગીત રફીસાહેબે ગાયેલું છે

    दुनियावालो सुन लो एक अबला की दुःख कहानी सुन लो
    हार जित तो खूब हुई अब मेरी जबानी

    બંને ગીતના ગીતકાર છે કમર જલાલાબાદી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી.

    ૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘શ્રીમાન સત્યવાદી’માં પણ મુકેશ-મન્નાડે દ્વારા રાજકપૂરના ગીતો મળે છે.

    પહેલું ગીત મન્નાડેના સ્વરમાં, સાથે ગાયિકા છે સુમન કલ્યાણપુર

    भीगी हवाओं में तेरी अदाओं में
    कैसी बहार है कैसा खुमार है

    ગીતકાર છે ગુલઝાર દીનવી

    બીજું ગીત છે જે મુકેશે ગાયું છે

    हाल-ए-दिल हमारा जाने न बेवफ़ा ये ज़माना ज़माना
    सुनो दुनिया वालों आएगा लौट के दिन सुहाना सुहाना

    ગીતકાર છે હસરત જયપુરી

    બંને ગીતના સંગીતકાર દત્તારામ

    ૧૯૬૩ની ફિલ્મ ‘દિલ હી તો હૈ’માં પણ આ જ બે ગાયકોએ ગાયેલા ગીત છે.

    પહેલા જોઈએ મન્નાડેએ ગાયેલું ગીત જે તેની ફિલસુફીને કારણે આજે પણ પ્રચલિત છે.

    लागा चुनरी में दाग छुपाऊँ कैसे
    लागा चुनरी में दाग
    चुनरी में दाग छुपाऊँ कैसे घर जाऊँ कैसे
    लागा चुनरी में दाग

    બીજું ગીત મુકેશના સ્વરમાં

    तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं
    तुम किसी और को चाहोगी तो मुश्किल होगी

    બંને ગીતના ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે રોશને.

    ૧૯૬૩ની બીજી એક ફિલ્મ ‘એક દિલ સૌ અફસાને’માં રાજ કપૂર માટે સંગીતકાર શંકર જય્કિશને મુખ્ય સ્વર તો મુકેશનો જ નક્કી કર્યો હતો.

    कुछ शेर सुनाता हुं मैं जो तुझसे मुखावीब है

    ગીતકાર હસરત  જયપુરી છે.

    तुम ही तुम हो मेरे जीवनमें

    કહેવાય છે કે આ શૈલેન્દ્ર રચિત આ ગીતનાં રેકોર્ડીંગ સમયે મુકેશ વિદેશની સફર પર હતા, તેથી કામચલાઉ ધોરણે રાજ કપૂર માટે મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ કરી ગીત રેકોર્ડ કરી લેવાયું. મુકેશે આ ગીત સાંભળીને કહ્યું કે હવે આ ગીત મારા સ્વરમાં ન જામે.

    ૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં તો બે નહિ ત્રણ ગાયકોએ રાજકપૂર માટે ગાયું છે.

    પહેલા જોઈએ મુકેશના સ્વરમાં આ તરોતાજા ગીત

    जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में
    नज़रों को हम बिछाएंगे
    चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर
    तुमको ना भूल पाएंगे

    આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર

    https://youtu.be/57m07tl6aLs

    બીજાના ગીતના ગાયક છે મન્નાડે

    ए भाई ज़रा देखके चलो आगे ही नहीं पीछे भी
    दायें ही नहीं बायें भी ऊपर ही नहीं नीचे भी

    આ ગીતના ગીતકાર છે નીરજ

    https://youtu.be/cEbcWvgUvLY?list=RDcEbcWvgUvLY

    તો ત્રીજું ગીત રફીસાહેબનાં દર્દભર્યા સ્વરમાં, કોઈ નાટકના ભાગ રૂપે આ ગીત દેખાય છે.

    सदके हीर हम तुजपे
    तुज से लुट क्र तेरे द्वार आयै

    આ ગીતના રચયિતા છે પ્રેમ ધવન

    https://youtu.be/r804WmRRg9I

    ત્રણેય ગીતના સંગીતકાર છે શંકર જયકિસન

    બને તેટલી કાળજી લઇ ગીતો મુક્યા છે પણ કોઈ ફિલ્મના ગીત ચુકાઈ ગયા હોય તો ક્ષમસ્વ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • સુનયના (૧૯૭૯)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ આજે પણ કુટુંબપ્રધાન અને સ્વચ્છ ફિલ્મો માટે જાણીતી નિર્માણસંસ્થા છે, પણ ‘મૈંને પ્યાર કિયા’ પછી તેની વધુ ઓળખ મોટા બજેટની ફિલ્મના નિર્માણ માટે ઉભરી છે. એ પહેલાં એકદમ ઓછા બજેટની, મોટે ભાગે ગ્રામીણ પૃષ્ઠભૂમિવાળી, પ્રમાણમાં નવાં હીરો-હીરોઈન, ઓછા જાણીતા ગાયક-ગાયિકા, સંગીતકારવાળી ફિલ્મો તેની ઓળખ હતી. ગાયકોમાં મુખ્યત્વે જસપાલસિંહ, યેસુદાસ તેમજ ગાયિકાઓમાં હેમલતા, આરતી મુખરજી તેમની ફિલ્મોમાં રહેતાં. સંગીતકાર તરીકે રવીન્‍દ્ર જૈન, રાજકમલ, રામ-લક્ષ્મણ જેવા સંગીતકાર જોવા મળતા. નાયકનાયિકા તરીકે અનેક ઓછા જાણીતા ચહેરાઓ તેમણે ચમકાવ્યા. તેમની ફિલ્મોમાં એકાદું ગીત જીવનની કોઈક ફિલસૂફીને વણી લેતું. (અંગત રીતે મને રવીન્‍દ્ર જૈનનાં ગીતો નથી ગમતાં એટલી સ્પષ્ટતા)

    આ નિર્માણસંસ્થાની ૧૯૭૯માં રજૂઆત પામેલી ફિલ્મ હતી ‘સુનયના’. આ ફિલ્મનું યેસુદાસે ગાયેલું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત ખૂબ લોકપ્રિય બનેલું, જેની બીજી પંક્તિ હતી ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું’. આ ગીત ગણગણતાં સ્વાભાવિકપણે જ આ પંક્તિ પણ બોલાતી, પણ એનો અર્થ સમજાતો નહોતો. એ સમજાયો ૧૯૭૯ના દિવાળી વેકેશનમાં.

    મહેમદાવાદની અમારી શાળા શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલમાંથી દિવાળી વેકેશનમાં એક પ્રવાસ ઊપડવાનો હતો, જેમાં કાશ્મીર જવાનું હતું, અને વીસેક દિવસના આ પ્રવાસમાં વચ્ચે અનેક સ્થળો આવરી લેવાના હતા. પ્રવાસ માટેની ફી હતી ૬૫૧/ રૂ. આમ તો ઘણા વધુ કહેવાય, પણ મારા પપ્પાએ મને કહ્યું કે તારે આમાં જવું હોય તો જા. શાળા તરફથી અગાઉ અનેક પ્રવાસ યોજાયેલા, પણ કદી એમાં જવાનું બનેલું નહીં. આમાં જોડાવા હું તૈયાર થયો. મારી સાથે મિત્રો અજય પરીખ અને પંકજ ઠક્કર પણ હતા.

    અંબાજી, આબુ, અજમેર, પુષ્કર થઈને અમે જયપુર પહોંચ્યા. જયપુરમાં રોકાણ હતું. ત્યાં ફર્યા પછી આયોજન એવું હતું કે રાત્રે નવથી બારના શોમાં અહીંના અતિ ભવ્ય સિનેમાગૃહ ‘રાજમંદિર’માં ફિલ્મ જોવી અને પછી રાત્રે જ બસ ઉપાડીને દિલ્હી તરફ રવાના થવું. અમને ‘રાજમંદિર’ વિશે કશો ખ્યાલ નહોતો. બસની રાતની મુસાફરી હોવાથી ઘણા બધાએ વિચાર્યું કે નાઈટડ્રેસ પહેરીને જ થિયેટરમાં જવું, અને ફિલ્મ જોઈને પછી સીધું બસમાં, જેથી કપડાં બદલવાની ઝંઝટ નહીં. ‘નાઈટડ્રેસ’ જેવો નાઈટડ્રેસ પહેરવાનું હજી ચલણ નહોતું શરૂ થયું. અનેક મિત્રોએ શર્ટ અને (પેન્ટને બદલે) લુંગી ચડાવી. હું લેંઘો પહેરતો હતો એટલે મેં એ ચડાવ્યો. પગમાં બૂટ. આવા વેશે અમે સૌ સિનેમાગૃહમાં દાખલ થયા. સિનેમાગૃહની ભવ્યતા અને ત્યાં એકઠી થયેલી ભીડ વચ્ચે અમારા દીદારનો ક્યાંય મેળ પડતો નહોતો. અમે બધા અમારા આ નિર્ણય બદલ રીતસર લાજી મરતા હતા કે આપણને સહેજ બી ખ્યાલ હોત યા કોઈકે કહ્યું હોત કે આટલું ભવ્ય સિનેમાગૃહ છે તો કમ સે કમ આપણે પાટલૂન તો પહેરત! એ જમાનામાં સામાન્ય રીતે મદારી લુંગી અને નીચે બૂટ (કે મોજડી) પહેરીને ખેલ કરવા આવતા. લુંગી નીચે બુટ પહેરેલા અનેક મિત્રો પોતાને ધીમા અવાજે ‘મદારી’ તરીકે ઓળખવા લાગ્યા અને કહેતા રહ્યા કે હવે દરવાજો ખૂલે અને ઝટ એન્ટ્રી મળે તો સારું. એ પંદરવીસ મિનીટ બહુ આકરી વીતી.

    એ શોમાં અમારે જોવાની હતી ફિલ્મ ‘સુનયના’. આ ફિલ્મનું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત રેડિયોને કારણે અમે સાંભળેલું, પણ ફિલ્મના કલાકારો અમારા માટે સાવ નવા અને અજાણ્યા હતા. નસીરૂદ્દીન શાહ તેના હીરો હતા, તો ટાઈટલમાં એમનું નામ ઊકેલીએ એ પહેલાં તો એ જતું રહ્યું. અમને થયું કે હીરોનું નામ કંઈ આવું હોતું હશે! ગીતની બીજી પંક્તિનો ભેદ ફિલ્મ શરૂ થતાં ખૂલ્યો. ફિલ્મની નાયિકા રામેશ્વરી અંધ હોય છે, આથી હીરો તેને ઉદ્દેશીને કહે છે, ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું.’ રામેશ્વરીની આંખો ખૂબ મોટી અને સુંદર હતી, અને એનો ચાહક એક આખો વર્ગ થયેલો. પણ અમે ત્યારે રામેશ્વરીને ઓળખતા નહોતા.

    ‘સુનયના’ ફિલ્મ આમ તો ચાર્લી ચેપ્લિનની અદ્‍ભુત અને અમર ફિલ્મ ‘સીટી લાઈટ્સ’ પર આધારિત છે, જેમાં અનેક ભારતીય તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ‘સીટી લાઈટ્સ’ જોઈ હોય કે ન જોઈ હોય, મેઘાણીએ ‘પ્રતિમાઓ‘ પુસ્તકમાં તેની કથા ‘જીવનપ્રદીપ[1]‘ના નામે આલેખી છે એ ખાસ વાંચવા અનુરોધ છે. ફૂલ વેચતી અંધ નાયિકા, મુફલિસ નાયક, રોજ રાતે નશામાં ધૂત થઈ આપઘાત કરવા આવતો કરોડપતિ શેઠિયો અને તેને બચાવતો મુફલિસ નાયક, સવારે નશો ઉતરતાં જ બધું ભૂલી જતો શેઠિયો વગેરે ઘટનાઓ ‘સીટી લાઈટ્સ’ની જેમ જ આમાં છે. અલબત્ત, ‘સીટી લાઈટ્સ’ જોતાં હોઠ પર સતત મરકાટ રહે, અને આંખો ભીની. એ તત્ત્વ આમાં ગેરહાજર છે. અલબત્ત, આ ફિલ્મમાં એ અપેક્ષિત પણ નથી.

    હીરેન નાગ દિગ્દર્શીત આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા નસીરૂદ્દીન શાહ, રામેશ્વરી, વિજયેન્દ્ર, પિંચૂ કપૂર, લીલા મિશ્રા, રાજેન્દ્ર નાથ, મુકરી, જગદીપ વગેરે.

    (ડાબેથી‌) રવીન્‍દ્ર  જૈન અને યેસુદાસ

    ફિલ્મનાં કુલ ચાર ગીતો  હતાં, જે રવીન્દ્ર જૈને લખેલાં તેમજ સંગીતબદ્ધ કરેલાં. ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ (યેસુદાસ), ‘મેઘા ઓ રે મેઘા તૂ તો જાયે દેસબિદેસ’ (હેમલતા), ‘લોગ કહે મેરા સાંવલા સા રંગ હૈ, ફૂલ સમા ખિલા ખિલા અંગ હૈ’ (હેમલતા) અને ‘આંસૂ ભી હૈ, ખુશિયાં ભી હૈ’ (યેસુદાસ).

    આ પૈકીનું ‘આંસૂ ભી હૈ’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેના શબ્દો આ મુજબ છે.

    आंसू भी हैं, खुशियां भी हैं
    कांटे भी हैं, कलियां भी हैं

    दुखसुख से भरी है ये ज़िन्दगी
    तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
    ज़रा जीके तो देखो,
    इसे जीके तो देखो

    ये मत सोचो की कितना मिला
    सोचो बहोत मिला, हमें जितना मिला
    ये मत सोचो की कितना मिला
    सोचो बहोत मिला, हमें जितना मिला

    ‘किस्मत’ ‘किस्मत’ कहो न
    मेहनत मेहनत करो
    के रोना भी है,हसना भी है
    पाना भी है, तरसना भी है

    नहीं इतनी बुरी ये ज़िन्दगी
    तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
    ज़रा जीके तो देखो,
    इसे जीके तो देखो

    लोग निकाले चाँद मैं भी कसर
    जैसा जो देखे वही पाये नज़र
    लोग निकाले चाँद मैं भी कसर
    जैसा जो देखे, वही पाये नज़र
    अवगुण अवगुण न देखो
    गुण ही ढूँढा करो

    के हलकी भी है, ये भारी भी है
    जी मीठी भी है, खारी भी है
    हर पग पे नयी है ज़िन्दगी
    तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
    ज़रा जीके तो देखो,
    इसे जीके तो देखो

    ‘સુનયના’નું આ ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    [1] જીવન-પ્રદીપ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ત્યારે અને અત્યારે : સંયુક્ત અને વિભક્ત કુટુંબ

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ર. વૈદ્ય

    અપર્ણાએ  તેના પતિ  મનીષને કહ્યું કે ‘આજે મમ્મીનો ફોન હતો કે મમ્મીજીને કહેજો કે મારાથી પૂજામાં નહીં અવાય કારણકે મારે મમ્મીને ડોક્ટર પાસે લઈ જવી છે’. મનીષે કંટાળીને કહ્યુ, ‘ભલે., પણ મને શા માટે કહે છે. તું જ સીધી મમ્મીને કહી દે ને કે મમ્મીજી નહીં આવી શકે’.

    વાચક મિત્રોને આ સંવાદમાં ગૂંચવાડો લાગે છે? શક્ય છે.  એમાં ત્રણ માતાઓની વાત છે:  અપર્ણાનાં મા નિર્મળાબેને  મનીષના માતા વિમળાબેન માટે આ સંદેશો મોકલ્યો છે કે એ પોતાના મા કમળાબેનને દવાખાને લઈ જવાના છે એટલે આવી નહીં શકે. ટેલિવિઝન સિરિયલની અસર નીચે અપર્ણા પોતાનાં સાસુને માત્ર મમ્મી કહેવાને બદલે માનાર્થે મમ્મીજી કહે છે તેથી ઊલટું મનીષ પોતાનાં સાસુને મમ્મીજી કહે છે. હવે એ સંવાદ ફરીથી વાંચી લો.

    અત્યારે ‘મમ્મી ‘ સંબોધનનું મોનોકલ્ચર છે; ૫૦ વર્ષથી ઓછી ઉંમરની પેઢીના બધા જ લોકો માને મમ્મી કહીને બોલાવે છે અને પિતાને પપ્પા કે ડેડી. અગાઉની પેઢીમાં આવા ગૂંચવાડાને કોઈ સ્થાન ન હતું. મમ્મી  અને પપ્પા એ શબ્દો  હજી આવ્યા જ નહોતા. સંતાનો માતાને  કે પિતાને શું નામે બોલાવે તેનો આધાર સંયુક્ત કુટુંબના બંધારણ ઉપર હતો. સંબોધન કેમ કરવું તે શીખવવામાં ન આવતું.  બાળકને ઘરમાં સંભળાતું જે તે નામે બાળક માતા-પિતાને બોલાવતું. મા માટે ભાભી, કાકી કે મામી જેવા સંબોધન અત્યારે  વિચિત્ર લાગે પણ બહુ સામાન્ય હતાં. મોટા કુટુંબમાં સૌથી મોટા ભાઈના પત્નીને નણંદ કે દીયરો ભાભી કહેતાં હોય તે પછી ભાભીને બાળકો થાય તો એ ઘરમાં બોલાતો શબ્દ પકડીને માતાને ‘ભાભી’ એ જ નામે બોલાવે તે સ્વાભાવિક છે. એ જ બાળકો દિયરની નવી આવેલી પત્નીને કાકી કહેવા લાગે એટલે જ્યારે નાના ભાઈને છોકરાં થાય તે પિતરાઈ ભાઈ બહેનોની નકલ કરીને પોતાની જ માતાને ‘કાકી’ કહે. જો દિયરને બદલે નણંદના છોકરા ઘરમાં વધુ દેખાતું હોય તો એ કાકીને નણંદના છોકરા ‘મામી’ કહેતાં હોઈ શકે એટલે કેટલીક માતાઓ મામી પણ કહેવાતી. એ વખતે આમે ય બાળકો ઘણાં હતાં તેથી ક્રમવાર નાના ભાઈ બહેનોનું  સામાજિક શિક્ષણ વડીલો નહીં પરંતુ તેનાથી મોટા ભાઈ બહેનો જ કરતાં. એટલે જે તે સંબોધન કે વર્તુણૂક ક્રમવાર છેલ્લા સંતાન સુધી પહોંચી જતાં. શબ્દનું મૂળ શોધવું એટલું અઘરું છે કે અમારા કાકીને અમે ‘બેન’ કહેતાં. એ તો ઠીક, એમના પોતાનાં સંતાનો પણ માતાને ‘બેન’ કહે ! ન હોય તેવા સંબંધોનાં સંબોધનોની  છે ને રફતાર બેઢંગી ?

    કેટલાક ખાસ સંજોગોમાં સંતાનો માતાને એનાં પ્રથમ નામથી પણ બોલાવતાં હોય એવું પણ તમે જોયું હશે. એક વડીલ જાજરમાન કુટુંબમાંથી આવ્યાં હતાં એટલે તેમનાં નણંદ અને દેરાણી એમને અંગત નામથી સવિતાબેન કહીને બોલાવે. આથી  એમના સંતાનો પણ એ જ નામે બોલાવે. આમાં એવું પણ બને કે એ છોકરાઓ મોટાં થઈ જાય ત્યારે તેમનાં સંતાનો, એટલે કે ત્રીજી પેઢી પણ એમને પ્રથમ નામથી બોલાવતી હોય. આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં દેખાતાં મા, માં, અંમાં, બા, બાઈ એ સંબોધનો તો ખરાં જ, જેમાં છેલ્લે મમ્મી  ઉમેરાયું. એવા સંબોધનો કે સૂચન કરે છે એ બાળક સંયુક્ત કુટુંબમાં નહીં કદાચ વિભક્ત કુટુંબમાં મોટું થયું હશે. માતાની જેમ પિતાના નામોમાં પણ વિવિધતા હતી.  માતા બાબતે જોયું તેવા જ તર્ક હેઠળ પિતાને ક્યારેક કાકા, ભાઈ, બબાકાકા, ગોરાકાકા, ભાઈકાકા, ભા  એવાં જુદાં જુદાં સંબોધનો ચોટતાં! અમારા એક દુરના કાકાનું હુલામણું નામ ભલાભાઇ હતું. તેમના બાળકો અને અમે ભત્રીજાઓ પણ તેમને એ અંગત નામે જ બોલાવતા. ગ્રામ્ય જનતામાં સંબોધનોમાં ‘બાપુ’ સંબોધન સામાન્ય  રીતે સંભળાતું.

    વિભક્ત કુટુંબ:

    જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે વિભક્ત કુટુંબ ( ન્યુક્લિયર ફેમિલી) નો કોઈ ખ્યાલ હતો નહીં. જે હતું તે સંયુક્ત કુટુંબ જ હતું. બે થી વધુ પુત્રો હોય તો માબાપ પોતે જ નિયોજિત રીતે મોટા પુત્રને લગ્ન પછી જુદુ ઘર લઈ દઈ વસવાટ કરાવતાં. પછી એવો સમય આવ્યો કે ઘરમાં વાસણો ખડખડે તો નાછૂટકે એક ભાઈ જુદા વસવાટ માટે જતો. પરંતુ સમાજની દ્રષ્ટિમાં (જે ત્યારે મુખ્યત્વે જ્ઞાતિ જ હતી) એ ચર્ચાનો વિષય બનતો. વિઘ્ન સંતોષીઓ એમાંથી કારણ શોધવાનો પ્રયત્ન કરતા. ભણતર વધતાં નોકરીઓ ઘરથી દૂર થવા લાગી ત્યારે આપોઆપ વિભક્ત કુટુંબ બનવા લાગ્યાં. પરંતુ નાભીનાળના સંબંધ તેનાથી તૂટતા ન હતા. વેકેશનમાં કે સારા માઠા પ્રસંગોએ પરિવાર એકત્ર થતું અને એક છત્ર નીચે રહેતું.

    સંયુક્ત કુટુંબ

    ગઈ સદીના ૧૯૬૦ કે ‘૭૦ ના દાયકાઓ દરમિયાન વર્તમાનપત્રોના મહિલા જગતના પાનાઓમાં એક મોટી ચર્ચાનો વિષય રહેતો કે વિભક્ત કુટુંબ સારું કે સંયુક્ત કુટુંબ. બંને તરફ મજબૂત દલીલો તો ત્યારે હતી અને આજે પણ છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના ખ્યાલ દિવસા દિવસ દ્રઢ થતા જાય છે એટલે આજે જો આવી ચર્ચા કાઢવામાં આવે તો સંયુક્ત કુટુંબને બહુ ઓછા મત મળે એમ લાગે છે. સ્વાભાવિક છે કે પ્રથાના લાભ અને ગેરલાભ બન્ને હોય. વ્યક્તિ સ્વાતંત્ર્યના સાટામાં જે હુંફ અને સલામતી સંયુક્ત કુટુંબમાં મળતી તેનો ક્યાસ વર્ણન કરવાથી ના આવે. જીવનના ઉતાર ચઢાવમાં આજે દંપત્તિઓ એકલા ઝઝુમે છે, ખાસ કરીને અચાનક આવતી સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે ત્યારે અસહાયતાનો અનુભવ થાય છે. દૂરના સગા કે મિત્રનો સહારો શોધવો જ પડે છે. સંયુક્ત કુટુંબનુ મહત્વ ત્યારે સમજાય છે.

    સંયુક્ત કુટુંબના વખતના કેટલાક રિવાજો કે ખાસિયતો એવી હતી જે આજે તદ્દન વિચિત્ર લાગે. સૌથી પ્રખ્યાત હતી,  કુટુંબની સ્ત્રીઓ પુરુષવર્ગની લાજ કાઢે તે. સાડીના છેડાથી હંમેશા ઘૂઘટ ખેંચી રાખેલો હોય જે સસરા, જેઠ અને પતિ  ત્રણેય માટે લાગુ પડે. એવા ઘરમાં દાખલ થાવ ત્યારે સ્ત્રી વર્ગને જોઈને ખબર પડી જાય કે ઘરમાં સિનિયર પુરુષો હાજર છે કે નહિં. એ જ રીતે સ્ત્રીઓના અવાજનું વોલ્યુમ પણ પુરુષો ઘરની બહાર જાય ત્યારે ‘ઘીમા’ પર થી ‘નોર્મલ ’ પર આવી જતો. એક બીજો રિવાજ એવો કે પિતા પોતાના વડીલોની હાજરીમાં સંતાનોની સાથે સામસામે વાત ન કરે કે ન તો તેને નામથી સંબોધે. એટલે કે પિતા પુત્રનું નામ ન લે. એમાં પાછી સિનિયોરિટી જળવાય. સૌથી મોટાભાઈ જો દાદા હાજર ન હોય તો પોતાના સંતાનો સાથે વાત કરે. તેના પછીનો વચેટ ભાઈ મોટાભાઈનાં સંતાનો જોડે વાત કરી શકે પણ પોતાનાં સંતાન જોડે નહીં. અને સૌથી નાના ભાઈ માટે તો પોતાના બાળકો જોડે વાત કરવાનું ક્યારે બને જ નહીં !

    સ્ત્રીવર્ગ ઉપર આની અસર એવી કે માતા તો છોકરાંનાં નામ પણ ન લે. ‘મોટો’, ‘નાનો’, ‘વચલી’, ‘મોટી’, ‘છોરી’ એવાં વિશેષણથી કામ ચાલતું હોય.  જો ઘર વધુ રૂઢિવાદી હોય તો છોકરાં ના લિંગ પણ ન દર્શાવે જેમ કે મા એમ કહે “મોટું નિશાળે ગયું છે” એમાં એ મોટો છે કે મોટી એ પણ ખબર ન પડે !  જો કે આ આ પ્રથા પુત્ર માટે વધારે લાગુ પડતી હતી. આમાં એક સુખદ અપવાદ પણ હતો. બાપ દીકરા જોડે વાત કરે કે ન કરે પણ જરૂર પડે દીકરી જોડે જરૂર વાત કરતા. આથી દીકરાઓ માતા સાથે કે બહેન સાથે પિતા માટે સંદેશો મૂકાવતા.  નાની વહુના સંતાનો કજીયો  કરવો હોય કે ત્રાગાં કરવાં હોય તો માત્ર માની સામે જ કરી શકતાં અને કરી લેતાં, કારણ કે કાકા કે કાકી સાથે એ ન થઈ શકે. આ પરિસ્થિતિમાં દબાણ હેઠળ આવેલી નાની વહુઓ વિના કારણે છોકરાંને ઢીબી પણ નાંખતી. એમ માર ખાવાનુ છોકરાઓના ભાગે વધારે આવે. છોકરાઓને તો પિતાના હાથની માર પણ ખાવી પડતી. બાળકોને મારવાના પ્રસંગો આજના દિવસે લગભગ નથી જ બનતા એનું મુખ્ય કારણ એ પણ છે કે દંપતીને એક કે બે જ બાળકો હોવાથી એને પ્રેમ આપતાં જ થાકતાં નથી. પિતા દ્વારા સંતાનો સાથે સામસામા સંવાદની ગેરહાજરી ને કારણે તેઓના અભ્યાસ બાબત પૂછપરછ કરવી કે તેમના કેરિયર વિશે ચર્ચા કરવાનો પ્રશ્ન જ નહોતો થતો. કોલેજમાં કઈ શાખા લેવી કે ક્યા વિષય ચૂંટવા એ પ્રકારના  નિર્ણયો  અમારી પેઢીએ તો આસપાસના સમાજમાંથી પ્રેરણા લઈને જ લીધા હતા. આજે જો કોઇ પિતા આવા નિર્ણય પુત્ર પર છોડે તો તેને બાકીના લોકો બેજવાબદાર જ ઠરાવશે.


    સૌજન્યઃ નવનીત સમર્પણ, ઓક્ટોબર, ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    સાંદર્ભિક તસવીરોઃ નેટ પરથી

  • મહેન્દ્ર શાહનાં રેખા ચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com